ક્રીયાકાંડ શા માટે?
હીન્દુ ધર્મનો મુળભુત હેતુ પરમ તત્ત્વનો સાક્ષાત્કાર કરવો તે જ છે. એ શી રીતે થાય? માર્ગો અનેક છે. ક્રીયાકાંડ એ પણ એ માટેનો જ એક માર્ગ છે.
સામાન્ય રીતે આપણે દેહને જ સર્વસ્વ માનીએ છીએ. એમાં વસી રહેલ ચૈતન્યને આપણે જાણતા નથી, એને આપણે ઓળખતા નથી. અરે, મૃત્યુ પછી મડદું બનેલ દેહને પણ જેનું મૃત્યુ થયેલ હોય છે તે જ એ છે એવું માનીને આપણે વ્યવહાર કરીએ છીએ. આ ચૈતન્યને કેટલાક આત્મા કહે છે. અને જેમ અલગ અલગ રીતે ઉત્પન્ન થયેલ, જુદા જુદા માધ્યમો દ્વારા પ્રગટ થતી વીદ્યુત એક જ હોય છે, કેમ કે એ શક્તીનો એક પ્રકાર છે, તેમ અનેક માધ્યમો દ્વારા પ્રગટ થતો આત્મા પણ એક જ છે. કદાચ એ વીદ્યુતથી પણ સુક્ષ્મ શક્તીનો એક પ્રકાર છે. (સુક્ષ્મ કહેતાં પણ આપણા મનમાં તો પદાર્થનો જ ખ્યાલ ઉત્પન્ન થાય છે, પણ આપણી નબળાઈ એ છે કે જેને શબ્દો દ્વારા વ્યક્ત ન કરી શકાય તેને માટે પણ શબ્દોનો જ ઉપયોગ કરવો પડે છે. આથી જે કહીએ છીએ તે અસત્ય બની જાય છે.) આથી એ સમગ્ર આત્મા-ચૈતન્યના અનાદી, અનંત, સદૈવ, સર્વવ્યાપી, સદા વીસ્તરતા મહાસાગરને કેટલાક લોકો પરમાત્મા કહે છે.
જેમ વીદ્યુત વગેરે શક્તીને આપણે જોઈ શકતા નથી, માત્ર એની અસર આપણે અનુભવી શકીએ છીએ. તે જ રીતે ચૈતન્યને પણ આપણે જોઈ શકતા નથી, પણ જે માધ્યમ વડે એ પ્રગટ થાય છે તેના વડે આપણે એનું અસ્તીત્વ સ્વીકારીએ છીએ.
આ ચૈતન્યને આપણે કેમ ઓળખી શકતા નથી એ આપણી અંદર હોવા છતાં? કેમ કે આપણું ધ્યાન કદી વર્તમાન ક્ષણમાં હોતું નથી. વર્તમાન ક્ષણ એટલી બધી સુક્ષ્મ છે કે સતત આ ક્ષણમાં રહેવું બહુ જ મુશ્કેલ, લગભગ અશક્ય જેવું લાગે છે, સીવાય કે એને માટેની યોગ્ય પરીસ્થીતીનું નીર્માણ કોઈક રીતે થાય.
કેટલાકનું કહેવું છે કે એ યોગ્ય પરીસ્થીતી એટલે નીર્વીચાર સ્થીતી. મનમાં વીચારનું સહેજ પણ સ્પંદન ન હોય. આ સ્થીતી ક્રીયાકાંડ કરતાં પણ કદાચ પેદા થઈ શકે. જેને એમાં એટલી બધી આસ્થા હોય કે વીધી કરતાં એમાં એવા ડુબી જાય કે મનમાં સહેજ પણ કોઈ પણ જાતનું વીચારનું મોજું પેદા ન થાય. અને એ ક્ષણે આ ચૈતન્યની ઝલક મળી શકે.
મારી દૃષ્ટીએ ક્રીયાકાંડ પાછળ આ હેતુ છે.
ગા.દાદા, સરસ શરુઆત.
ક્રીયાકાંડનું મહત્વ આપે બતાવ્યું એ મુજબ જ હોઈ શકે! પણ, આજના યુગમાં આપણે એનું 100% પાલન કરી શકતાં નથી. ક્યાંતો આપણાં ઉચ્ચારો ખામીવાળા રહી જાય છે, અથવા વીધીનું ચુસ્ત પાલન થઈ શકતું નથી. એટલે જ, આજના યુગમાં નામસ્મરણને શ્રેશ્ઠ ગણાવ્યું છે.
ક્રીયા કાંડનું વેદમાં સવિસ્તર વર્ણન છે. તેમાં જુદા જુદા યજ્ઞો , તેના દેવતાઓ, યજ્ઞની વિધિઓ તથા તેના દ્વારા થતાં ફળનું નિરુપણ કરવામાં આવ્યું છે. ભગવદ ગીતામાં પણ આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેમાં સૃષ્ટિકર્તા બ્રહ્મા દ્વારા અનેક પ્રકારના યજ્ઞો કહેવાયા છે. કર્મયોગની અંતર્ગત ભગવાન, અર્જુનને સર્વ કર્મો યજ્ઞભાવે કરવાનું કહે છે પણ તેના ફળમાં આસક્તિ રાખવાની મનાઈ કરે છે. મુખ્યત્વે ક્રિયાકાંડ આધ્યાત્મિક બાબત નહી પણ સાંસારિક અથવા તો વ્યવહારિક બાબત ગણાય છે. વેદોના અંતિમ ભાગ વેદાંતમાં આ ક્રિયાકાંડોને ઓળંગી જનાર જ બ્રહ્મવિદ્યાનો અધિકારી છે તેમ નીર્દેશ કરવામાં આવેલ છે.
આપની સુંદર કોમેન્ટ બદલ હાર્દીક આભાર.
આ બધી વીધીઓ અહીં ન્યુઝીલેન્ડમાં જ્યારે કોઈ બ્રાહ્મણ ન હતા ત્યારે સમાજની સેવાની ભાવનાને કારણે શરુ કરવામાં આવેલી. એ કરવા જનાર આવવા-જવાનો વાહનખર્ચ સુદ્ધાં લેતા નહીં. હું આ વીધી જો કોઈએ જાતે કરવી હોય તો તેઓ કરી શકે એવા આશયથી મુકું છું.