છેલ્લી પોસ્ટ સમયે બે શબ્દ
અહીં ન્યુઝીલેન્ડમાં વીસેક વર્ષ દરમીયાન હીન્દુ ધર્મની કેટલીક વીધીઓ મેં કરી છે. એ વીધી કરવાનું સ્વીકારવા પાછળનું કારણ ધર્મના અંચળા હેઠળ સમાજનું કોઈ શોષણ કરનાર ન આવી જાય તે હતું. તે સમયે અહીં કોઈ બ્રાહ્મણ જ્ઞાતીનો પુરોહીત ન હતો. ધાર્મીક વીધી કરવા માટે વેલીંગ્ટન ઈન્ડીયન એસોસીયેશને ઠરાવ કરીને ત્રણ ભાઈઓની નીમણુંક કરી હતી, જેથી જો કોઈ કારણસર એક જણ મળી ન શકે તો બીજા ભાઈ આ વીધી કરી શકે અને કામ અટકે નહીં. આ પહેલાં અમારા શ્રદ્ધેય મુ. નરસિંહભાઈ માત્ર એકલા જ આ વીધી કરતા, અને કેટલીક વાર એમની નાદુરસ્ત તબીયતે પણ મેં એમને વીધી સંપન્ન કરતા જોયા છે.
તે સમયે બહુ મર્યાદીત વીધીઓ કરાવવામાં આવતી. આ નવચંડી યજ્ઞ કરવાની ઈચ્છા તો કોઈએ જણાવી જ ન હતી. વળી લગ્નવીધી, સામાન્ય શાંતી હવન, અંતીમક્રીયાવીધી વગેરે જે નરસિંહભાઈ પાસેથી મને જાણવા મળી હતી, તે સીવાયની કેટલીક વીધીઓ પુસ્તકોના આધારે જ મેં કરાવી છે. વળી સંસ્કૃતનો મારો અભ્યાસ માત્ર હાઈસ્કુલનાં ત્રણ વર્ષ (ધોરણ ૮, ૯, ૧૦) જેટલો જ છે. આથી એમાં ક્ષતીઓ હોવાની શક્યતા છે. જો કે એક વાર શાંતીહવનમાં આવતા કેટલાક શ્લોકો સમજવા મેં સુરતની એમ.ટી.બી. કોલેજમાં વ્યાખ્યાતા રહી ચુકેલ અને હવે અહીં ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયેલ વ્યક્તીનો રુબરુ સંપર્ક કરેલો ત્યારે વાતચીતને અંતે એમણે કહેલું, “મને તો લાગે છે કે મારા કરતાં તમે સંસ્કૃત વધુ જાણો છો”. ખરેખર એવું તો ન હોઈ શકે, પણ મને થોડો રસ સંસ્કૃતમાં છે, એટલું જ.
આ બ્લોગ મેં શરુ કર્યો ત્યારે નવચંડી યજ્ઞની વીધી પણ હું આપું એવું ભાઈ ચીરાગે કહ્યું, જે મેં ઉપર કહ્યું તેમ કદી કરી જ ન હતી. અહીં હવે તો ધાર્મીક વીધી કરાવનાર બ્રાહ્મણ છે, આથી એમની પાસેથી મેં માહીતી મેળવી, અને તે મેં અહીં રજુ કરી છે. એમાં ક્ષતીઓ હોવાની શક્યતા છે. જો કોઈ જાણકાર સુધારા-વધારા સુચવશે તો નીસંકોચ એનો સ્વીકાર કરવામાં આવશે. આજે હવે આ છેલ્લી પોસ્ટ નવચંડી યજ્ઞની.
હવે પછી લગ્નવીધી આપવા વીચારું છું, જેમાં પરંપરા કરતાં કંઈક જુદું પણ થોડુંક જોવા મળશે.
अपराधसहस्राणि क्रियन्तेऽहर्निशं मया
दासोऽयमिति मां मत्वा क्षमस्व परमेश्वरि -१
आवाहनं न जानामि न जानामि विसर्जनम्
पूजां चैव न जानामि क्षम्यतां परमेश्वरि -२
मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वरि
यत्पूजितं मयादेवि परिपूर्णं तदस्तुमे _३
अपराधशतं कृत्वा जगदम्बेति चोच्चरेत्
यां गतिं समवाप्नोति न तां ब्रह्मादयः सुराः -४
सापराधोऽस्मि शरणं प्राप्तस्त्वां जगदम्बिके
इदानीमनुकम्प्योऽहं यथेच्छसि तथा कुरु -५
अज्ञानाद्विस्मृतेर्भ्रान्त्या यन्न्यूनमधिकं कृतम्
तत्सर्वं क्षम्यतां देवि प्रसीद परमेश्वरि -६
कामेश्वरि जगन्मातः सच्चिदानंदविग्रहे
गृहाणार्चामिमां प्रीत्या प्रसीद परमेश्वरि -७
गुह्यातिगुह्यगोप्त्री त्वं गृहाणास्मत्कृतं जपम्
सिद्धिर्भवतु मे देवि त्वत्प्रसादात्सुरेश्वरि -८
॥ श्री दुर्गार्पणमस्तु ॥